ડુંગરી ની ખેતી વિશે ની વિગતવાર માહિતી
ડુંગળીના પાકને ઠંડુ અને સુકુ હવામાન માફક આવે છે. છોડના શરૂઆતના વાનસ્પતિક વિકાસ માટે 18 થી 24 સે. તાપમાન અને ત્યારબાદ કંદના વિકાસ માટે 15 થી 25 સે. સુધીનું તાપમાન અનુકુળ આવે છે. ડુંગળીના
પાકને પોટાશ તત્વ ધરાવતી ગોરાડુ-બેસર, મધ્યમ કાળી અથવા કાળી જમીન અનુકુળ આવે છે. જમીન પોષકતત્વોથી ભરપુર હોવી જોઇએ. હલકી તેમજ ઓછી નિતારશક્તિ ધરાવતી જમીન આ પાકને અનુકુળ આવતી
નથી.
સુધારેલી જાતો
શિયાળુ ખેતીમાં લાલ ડુંગળી માટે પીળી પત્તી જુનાગઢ લોકલ, તળાજા લોકલ, એગ્રીફાઉન્ડ લાઇટ રેડ સહિતની જાતો પ્રચલિત છે. જ્યારે સફેદ ડુંગળીમાં પુસા વ્હાઇટ ફ્લેટ-131, ગુજરાત સફેદ ડુંગળી-1 સહિતની જાતો પ્રચલિત છે. જ્યારે ચોમાસુ વાવણી માટે નાસિક-53, એગ્રી ફાઉન્ડ ડાર્ક રેડ સહિતની જાત પ્રચલિત છે.
ધરૂવાડીયાની માવજત
પ્રતિ એક હેક્ટર ડુંગળીના વાવેતર માટે 4થી 5 ગુંઠા જમીનમાં ધરૂવાડીયુ બનાવવું પડે છે. એક હેકટરનું ધરૂવાડીયુ હોય તો 8થી 10 કિલો બિયારણની જરૂર પડે છે.| શિયાળુ ડુંગળી માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર
મહિનામાં અને ચોમાસુ ડુંગળી માટે મે-જુન મહિનામાં ધરૂવાડીયામાં વાવણી કરવી. ધરૂવાડીયામાં છાણીયુ ખાતર, એરંડી ખોળ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતરો અને સમૃદ્ધ ગોલ્ડ જેવા ખતરો આપવા. ઘરૂવાડીયામાં 4થી 5 મીટર લંબાઇના, 1થી 1.5 મીટર પહોળાઇના અને 15 સેમી ઉંચાઇના ગાદી કયારા બનાવવા. વાવેતર પહેલા ક્યારા કાર્બોફ્યુરાન મીક્સ કરવું. વાવતા પહેલાં પ્રતિ એક કિલો બીજને
ત્રણ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. ધરૂવાડીયામાં ઝારા કે ફુવારાની મદદથી પાણી આપતા રહેવું જોઇએ. ધરૂ ઉગી જાય પછી બોર્ડે મિશ્રણ આપવું જોઇએ જેથી ઘર મૃત્યુ (ધરૂનો કોહવારો)નું નિયંત્રણ થઇ શકે.
જીપ્સ, તડતડિયા સહિત ચૂસિયા જીવાતોનું અસરકારક નિયંત્રણ ધરૂવાડીયામાં નિયમિત નિરીક્ષણ કરતા રહેવુ જોઇએ અને રોગ-જીવાત દેખાય તો જરૂરી પગલા લેવા જોઇએ. ધરૂવાડીયાને નિંદામણ મુક્ત રાખવુ પણ ખુબ જરૂરી છે. ડુંગળીના ધરૂ 40થી 45 દિવસ બાદ ફેરરોપણી માટે તૈયાર થઇ જાય છે.
ફેરરોપણી
ડુંગળીના તૈયાર લાવેલ ધરૂ અથવા જાતે તૈયાર કરેલા ધરૂ જ્યારે 45થી 50 દિવસના થાય ત્યારે અગાઉથી તૈયાર કરેલ ક્યારામાં ધરૂની ફેરરોપણી કરવી. જેમાં બે હાર વચ્ચે 10થી 15 સેમી અને બે છોડ વચ્ચે 10 સેમીનું
અંતર રાખવું. શિયાળુ ડુંગળીની ફેરરોપણી ઓકટોબર-નવેમ્બર મહિનામાં કરવી અને ચોમાસુ ડુંગળીની ફેરરોપણી જુલાઇ-ઓગસ્ટ મહિનામાં કરવી. સમયસર ફેરરોપણી કરવી ખુબ જ જરૂરી છે. ફેરરોપણીમાં વહેલુ કે મોડુ થાય તો ઉત્પાદનનને અસર થઇ શકે છે.
ડુંગળીની ફેરરોપણી પહેલા જમીન તૈયારી વખતે સારૂ કોહવાયેલુ છાણીયુ ખાતર પ્રતિ હેક્ટર 25 ટન પ્રમાણે આપવુ. જ્યારે ફેરરોપણી સમયે પ્રતિ હેક્ટર 37 કિલો નાઇટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશ 125 કિલો સમૃદ્ધ ગોલ્ડ આપવું આ બાદ ફેરરોપણીના 30 દિવસ બાદ પ્રતિ હેક્ટર 37 કિલો નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું. જો ચોમાસુ વાવેતર હોય અને વરસાદની ખેંચ હોય તેમજ જમીનમાં ભેજ ન હોય તો
હળવું પિયત આપીને પૂર્તિ ખાતર આપવુ.
પિયત
ડુંગળીના મૂળ છીછરા હોવાથી એ જમીનમાં બહુ ઉડેથી ભેજ લઇ શકતા નથી. આથી ડુંગળીના પાકને હળવા પણ વધુ પિયતની જરૂર પડે છે. ખેડૂતોના સામાન્ય અનુભવ પ્રમાણે શિયાળુ ડુંગળીના પાકને 5 સેમી ઉંડાઇના 14 પિયતની જરૂર પડે છે. જેમાં રોપણી બાદ તરત જ પ્રથમ પાણી આપવુ. બીજુ પાણી 5 દિવસ બાદ આપવું. આ બાદ દસમા પિયત સુધી દર 8-10 દિવસના અંતરે પાણી આપવુ ડુંગળીની પાકટ અવસ્થાએ ઓછુ પાણી આપવુ પણ કંદ બેસવાની અવસ્થાએ પાણીની ખેંચ ન પડવા દેવી. જમીન વધારે પડતી સુકાઇ ન જાય એની
પણ કાળજી રાખવી. કંદ ઉપાડવાના 2 દિવસ અગાઉ પણ પિયત આપવું. ટપક પધ્ધતિ દ્વારા ડુંગળીમાં ઓછા પાણીએ સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. ચોમાસુ વાવણીમાં પણ ડુંગળીના પાકને પાછળની અવસ્થાએ નિયમિત પિયતની જરૂર પડે છે.
થ્રીપ્સનું નિયંત્રણ
ડુંગળીના પાકમાં થ્રીપ્સ પાન પર ઘસરડા પાડીને રસ ચુસીને નુકસાન પહોંચાડે છે. પાક ઉગવાના એક મહિના બાદથી થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે છે. વાતાવરણમાં ગરમી વધે ત્યારે એટલે કે ફેબ્રુઆરીના મધ્યભાગથી
થ્રીપ્સનો ઉપદ્રવ વધવાની શરૂઆત થાય છે. થ્રીપ્સના નિયંત્રણ માટે ફિપ્રોનીલ 14 મીલી અથવાક્વિનાલફોસ 20 મીલી દવાને 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ડુંગળીના પાકમાં થ્રીપ્સના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસિયાના પાવડરનો 2 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો.
જાંબલી ધાબાનો રોગ
ડુંગળીના પાક જાંબલી ધાબાના રોગની અસરથી છોડ પર કાળા ડાઘ દેખાય છે અને પાક ઉપરથી દાઝી ગયો હોય એવો લાગે છે. આ બાદ ડાઘા જાંબલી રાખોડી થઇ જાય છે અને કંદનું કદ નાનું રહે છે. આ રોગના અસરકારક નિયંત્રણ માટે ફેરરોપણીના 25 દિવસ બાદ મેંકોઝેબ દવાના ત્રણ છંટકાવ 20 દિવસના અંતરે કરવા. આ સાથે પાકને નિંદણમુક્ત રાખવા પેન્ડિમિથાલીનનો ઉપયોગ કરવો. ડુંગળીના બીજ ઉત્પાદનમાં જાંબલી ધાબાના રોગના નિયંત્રણ માટે વાવણીના બે મહિના બાદ મેંકોઝેબ 25 ગ્રામ અથવા કાર્બેન્ડાંઝીન
10 ગ્રામ દવાને 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જેમાં 15 દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
કાપણી અને સંગ્રહ
ડુંગળીની કાપણી પરિપક્વતાની સ્થિતિ મુજબ બે તબ્બકામાં કરવામાં આવે છે. લીલી ડુંગળી જે લગભગ કુલ ઉત્પાદનના 10થી 15 ટકા જેટલી થતી હોય છે એણે બજારમાં સીધી જ વેચી શકાય છે. જ્યારે બાકીની સુકી ડુંગળીને ચારથી પાંચ મહિના બાદ કંદ બરાબર પરિપક્વ થઇ જાય ત્યારે ખોદીને કાઢવામાં આવે છે. આ બાદ સુકવણી માટે ખેતરમાં ડુંગળીના ખુલ્લા ઢગલાઓ કરવામાં આવે છે. છોડના પાન પીળા પડી જાય અને ઉપરની ટોચનો ભાગ ઢળવા લાગે ત્યારે કાપણીનો સમય થઇ ગયો કહેવાય. ડુંગળીના કાંદાના સંગ્રહ શક્તિ વધારવા માટે કાપણીના 15 દિવસ પહેલાં મેલીડ હાઇડ્રોક્સાઇડ (1500 PPM)નો છંટકાવ કરવો.
Comments
Post a Comment