બટેટા ની વૈજ્ઞાનિક ખેતી

રેતાળ , ગોરાળુ અને મધ્યમ કાળી જમીનમાં બટાકાનો પાક લઇ શકાય છે . ભારે કાળી અને ચીકણી જમીનમાં તેમજ પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાકાનો પાક અનુકુળ આવતો નથી .

શાકભાજીના બટાકા માટે પુખરાજ , બાદશાહ , ખ્યાતી , લૌકર જેવી જાતોની ભલામણ છે . જયારે પ્રોસેસિંગમાં ચિપ્સ માટે ચિપ્સોના - ૩ , ચીપ્સોના - ૪ , લેડી રોઝાંટા અને ફ્રેંચ ફ્રાય માટે સુર્ય અને ચંદ્રમુખી જેવી જાતો અનુકુળ છે . રાત્રિનું તાપમાન ૧૮ - ૨૦ સે . વચ્ચે થાય એટલે કે ૧૫ થી ૩૦ નવેમ્બરની આજુબાજુ વાવણી કરવી હિતાવહ છે . મગફળી - બટાકા - બાજરી પાક પદ્ધતિ સૌથી વધુ નફાકારક છે . તલ , બાજરી , કઠોળ અને મગફળી પછી બટાકા લઇ શકાય છે . રીંગણ , ટામેટા અને મરચીના પાક પછી બટાકાનો પાક લેવો હિતાવહ નથી . આમ કરવાથી રોગોનું પ્રમાણ વધે છે . એક હારના પાળા પદ્ધતિમાં ૪૫ સે . મી . બાય ૧૫ - ૨૦ સે . મી અને બે હારના પાળા પદ્ધતિમાં ૭૫ સે . મી . બાય ૧૫ - ૨૦ સે . મી જયારે ચાર હારના પાળા પદ્ધતિમાં ૧૫૦ સે . મી . બાય ૧૫ - ૨૦ સે . મી . વાવેતરનું અંતર રાખવું . એક હારના પાડા પદ્ધતિમાં ૨૫૦૦ - ૩૦૦૦ કિ . ગ્રા . બે અને ચાર હારના પાળા પદ્ધતિમાં ૩૫૦૦ - ૪૦૦૦ કિ . ગ્રા પ્રતિ હેક્ટર બિયારણનો દર રાખવો . બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢ્યા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી . બટાકાના એક ટુકડાનું વજન ૨૫ થી ૪૦ ગ્રામ હોવું જોઈએ . બટાકાના ટુકડાને વાવણી પહેલા મેન્કોઝેબ ૧ કિલો દવા સાથે ૫ કિલોગ્રામ શંખજીરુ અથવા રાખનું મિશ્રણ કરી દેવાની સૂકી માવજત આપવી જેથી બટાકામાં થતો કોહવારો અટકાવી શકાય તથા પાકનો સારો અને એક સરખો  ઉગાવો
મેળવી સકાઇ છે
ભીની પદ્ધતિથી વાવેતર કરવું . જેમાં પિયત આપી વરાપ થયે જમીન તૈયાર કરી બટાકાની વાવણી હળ અથવા ટ્રેકટર દ્વારા ચાલતા પ્લાન્ટથી કરવી .
૨૫ - ૩૦ ટન કોહવાયેલું છાણીયું ખાતર ૧૫૦ થી ૨૦૦ કિલો સમૃદ્ધ ગોલ્ડ તથા ૧ ટન દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે નાખી ખેડ કરી જમીનમાં ભેળવી દેવું . ઉત્તર ગુજરાત માટે ૨૭૫ : ૧૩૮ : ૨૭૫ અને મધ્ય ગુજરાત માટે ૨૦૦ : ૧૦૦ : ૨૦૦ કિલો નાઈટ્રોજન - ફોસ્ફરસ પોટાશ પ્રતિ હેકટરે આપવાની ભલામણ કરવામાં આવે છે . જેમાં પાયાના ખાતરમાં અડધો નાઈટ્રોજન અને પૂરેપૂરો ફોસ્ફરસ અને પોટાશ આપવો . પાયાનો નાઈટ્રોજન એમોનિયમ સલ્ફટ ખાતરના રૂપમાં આપવો અને બાકીનો નાઈટ્રોજન બટાકાના વાવેતર બાદ ( ૩૫ - ૪૦ દિવસે આપવો . ટપક પદ્ધતિ માટે રાસાયણિક ખાતર તરીકે ૨૦૭ : ૧૦૫ : ૨૦૭ કિલો ના . ફો . પો . પ્રતિ હેકટરે આપવો . જે પૈકી પૂરે પૂરો ફોસ્ફરસ તથા પોટાશ અને અડધો નાઈટ્રોજન ( એમોનિયમ સલ્ફટ ખાતરના રૂપમાં ) પાયામાં આપવો અને બાકીનો અડધો નાઈટ્રોજન ૩૦ , ૩૭ , ૪૪ અને ૫૧ દિવસે ચાર સરખા ભાગમાં ટપકથી આપવો , હળથી વાવણી કરેલ બટાકાને ૩૫ થી ૪૦ દિવસે નાઈટ્રોજન આપ્યા બાદ પાળા ચળાવવા . જો પાળા ચઢાવવામાં ન આવે તો ખુલ્યા રહેલ બટાકાના કંદને સુર્યપ્રકાશ મળતા લીલા થઇ જાય છે .

નીકપાળા પદ્ધતિથી ગોરાડું જમીનમાં ૮ થી ૧૦ દિવસના અંતરે કુલ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે . રેતાળ જમીનમાં ૬ થી ૭ દિવસના અંતરે કુલ ૧૪ થી ૧૫ પિયતની જરૂર પડે છે . ટપક પદ્ધતિમાં ૬૦ સે . મી . ના અંતરે પ્રતિ કલાકે ૪ લીટર પાણીનો જથ્થો બહાર કાઢતાં ડ્રીપરવાળી નળીયોનો ઉપયોગ કરવો . ડિસેમ્બર - જાન્યુઆરી મહિનામાં ૪૫ મિનિટ અને ફેબ્રુઆરી મહિનામાં ૬૮ મિનિટ એકાંતરે દિવસે બટાકાના પાકને પાણી આપવું . એક હારના પાળા પદ્ધતિમાં દરેક હારે , બે હારના પાળા પદ્ધતિમાં બે હાર વચ્ચે તથા ચાર હારના પાળા પદ્ધતિમાં પાળામાં બે નળી ગોઠવવી .
ફૂગજન્ય રોગોમાં આગોતરો અને પાછોતરો સુકારો મુખ્ય છે . જેના નિયત્રણ માટે વાવેતર બાદ ૩૫ - ૪૦ દિવસે પ્રથમ છંટકાવ મેન્કોઝેબ દવાનો કરવો અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦ થી ૧૫ દિવસે ડાયમિથોમોર્ફ ૦ . ૨ ટકા અને મેન્કોઝેબ ૦ . ૩ ટકા મિશ્રણ કરી છંટકાવ કરવો . ત્રીજો છટકાવ ૧૦ થી ૧૫ દિવસ બાદ ફરીથી મેન્કોઝેબનો કરવાથી પાછોતરા સુકારાનું ઘણું સારું નિયંત્રણ મળે છે . હવામાન જયારે વાદળવાળું અથવા કમોસમી માવઠા જવું હોય ત્યારે ખાસ છંટકાવ કરવો . ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપતા ખેડૂતોને દવાના પંપથી છંટકાવ કરવા ઉપરાંત આ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી કુફરી બાદશાહ , કુફરી પુખરાજ જેવી જાતોનું વાવેતર કરવા ભલામણ છે .
ભૂખરા કે લીલા રંગની આ ઈયળ પાન ખાઈને નુકશાન કરે છે . નિયંત્રણ માટે પ્રતિ હેક્ટર ૬થી ૮ ફેરોમેન ટ્રેપ મુકવી . ક્વીનાલફોસ ૨૦ મિલી દવા અથવા મોનોક્રોટોફોસ ૧૨ . ૫ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .
મોલો , લીલા તડતડીયા અને સફેદ માખી જેવી ચુસિયા પ્રકારની જીવાતો પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોચાડે છે તેમજ આવી જીવાત વિષાણુથી થતા પંચરંગીયો , કોકડવા સહિતના રોગોના ફેલાવામાં વાહક તરીકે કામ કરે છે . આ જીવાતોના નિયંત્રણ માટે પ્રતિ હેક્ટર ૮થી ૧૦ પીળા કલરના સ્ટ્રીકી ટ્રેપ મુકવા . મિથાઈલ ઓ ડિમેટોન અથવા ઈમીડાકલોપ્રીડ ૧૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . જરૂર જણાય તો ૧૦ - ૧૫ દિવસના અંતરે બીજો છંટકાવ કરવો .
    
આ ઈયળ છોડને જમીન સરખા કાપીને નુકસાન કરે છે તેમજ કંદ બેસે ત્યારે તેમાં દાખલ થઇ ગર્ભને પોળા ( ખોખા ) બનાવી નુકશાન કરે છે . આના નિયંત્રણ માટે સાંજના સમયે બટાકાના પાળા તથા થડ ઉપર કાર્બરીલ ૫૦ ગ્રામ અથવા કલોરપાયરીફોસ ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .
બટાકાના પાકમાં અસરકારક નિંદણ નિયંત્રણ માટે મેટ્રિબ્યુઝીન દવા નિંદણ ઉગ્યા પહેલા અથવા ઉગ્યા પછી પિયત આપ્યા બાદ પુરતો ભેજ હોય ત્યારે ૧ હેક્ટરે ૪૦૦ ગ્રામ દવા ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એકસરખો છટકાવ કરવો

સ્ટેમ નેક્રોસીસ રોગ આગોતરા વાવેતરમાં વિશેષ જોવા મળે છે . થ્રીપ્સ નામની જીવાતથી તેનો ફેલાવો થાય છે . છોડના થડ પર નાના રાખોડી રંગના ગોળાકાર સ્વરૂપે ટપકા જોવા મળે છે . આ ટપકા મોટા થતા કાળા રંગના ચાઠા બને છે . રોગ વધીને પાનના સાંધા સુધી ફેલાય છે . થડમાંથી છોડ નમીને ભાગી જાય છે અને છોડ સુકાવા લાગે છે . આ રોગના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૭ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .
કોમન ફેબના નિયત્રણ માટે બિયારણને વાવતા પહેલા આખા બટાકાને બોરીક એસિડ ( આઈપી ગ્રેડ ) ૩ ટકાના ( ૩૦ ગ્રામ દવા ૧લીટર પાણીમાં ) દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળીને માવજત આપવી જરૂરી છે . બટાકા બેસવાની અવસ્થાએ એટલે કે વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટૂંકા ગાળે પિયત આપવું જેથી રોગને નિયત્રણ રાખી શકાય . જયારે કાળા ચાઠાના રોગ માટે બોરીક એસિડનો ૩ ટકા દ્રાવણનો આખા બટાકા ઉપર છંટકાવ કરી સુકાયા બાદ ઉપયોગ કરવો . ઉપરોકત બંને રોગ માટે કેટલીક ખેત પદ્ધતિઓ જેવી કે ચોમાસામાં લીલો પડવાશ કરવો , પાકને ટૂંકાગાળે પિયત આપવું , ઉનાળામાં જમીન ખેડ કરી તાપાવવી , પાક ફેરબદલીમાં રજકો અને રજકા બાજરી જેવા પાકો લીધા પછી બટાકા લેવાથી રોગ ઓછો કરી શકાય છે .
બટાકાનું પલુર પીળું થાય ત્યારે પિયત આપવાનું બંધ કરવું . કાપણી કરવાના આગલા દિવસે પલુર કાપી બટાકા હળ અથવા ટ્રેકટરથી ચાલતા સાધન ડ્રીગર વડે કાઢવામાં આવે છે . બટાકા કાઢતી વખતે છોલાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ . બટાકા કાઢી ત્યાર પછી તેના નાના ઢગલા કરી તેના ઉપર બટાકાનું પલુર ઢાંકવું જોઈએ જેથી તેના ઉપર ગરમીની અસર થાય નહીં . બીજા દિવસે સવારે બપોર પહેલા ખેતરમાં ઝાડ નીચે ખેતરના બધા ઢગલા ભેગા કરવા . ભેગા કરતી વખતે છોલાયેલા , કપાયેલા તથા લીલા બટાકા ગ્રેડિગ કરી અલગ પાડવા .

વધુ માહિતી માટે
ફોન 7046611140
Web mva
YouTube mva organics

Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140